logo

|

Home >

Scripture >

scripture >

Gujarati

શિવ બાવની - Shiv Bavani

Shiv Bavani in Gujarati

શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર,.
સૂર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાંય વાણી અટકી જાય.

 

જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન.
હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર.

 

કોઈ ના પામે તારો ભેદ, વર્ણન કરતા થાકે વેદ.
બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય.

 

મંદ મતિ હું તારો બાળ, પીરસવા ચાહું રસથાળ.
બ્રહ્મા વિષ્ણુ, શિવ સ્વરૂપ, એ પણ ત્રિગુણા રૂપ.

 

જગનું સર્જન ને સંહાર, કરતા તુજને થાય ન વાર.
પાપીજન કોઈ શંકા કરે, લક્ષ ચોર્યાસી કાયમ ફરે.

 

તારી શક્તિ કેરું માપ, જે કાઢે તે ખાય થાપ.
વળી અજન્મા કહાવો આપ, સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ.

 

વારે વારે સંશય થાય, અક્કલ સૌની અટકી જાય.
તારી કાયા અદભુત થાય, કોણ કરે તારો સંગાથ.

 

ભસ્મ શરીરે પારાવાર, અદભુત છે તારો શણગાર.
ફનીધર ફરતા ચારે કોર, વનચર કરતા શોરબકોર.

 

નંદી ઉપર થાયે સવાર, ભૂતપ્રેતનું જબરો ચમત્કાર.
શિર પર વહેતી ગંગાધાર, ત્રીજું લોચન શોભે ભાલ.

 

સરિતા સાગરમાહી સમાય, જગત તારામાં લીન થાય.
અસ્થિર જગ આ તો કહેવાય, તેમાં રહેતા સ્થિર સદાય.

 

વાત વધી સમજણની બહાર, હૈયા કેરી થાયે હાર.
ગગન માંહે બ્રહ્મા જાય, વિષ્ણુ પાતાળે સંતાય.

 

છતાં ન નીકળે શક્તિ માપ, એવી તારી અદભુત છાપ.
ત્રિભુવનને પળમાં જીતનાર, તે પણ આવે તારે દ્વાર.

 

રાવણ સ્તુતિ ખૂબ કરે, મસ્તક છેદી ચરણ ધરે.
આપ કૃપાથી મળિયું બળ, કૈલાસે અજમાંવી કળ.

 

અંગુઠો દાબ્યો તત્કાળ, રાવણે પાડ્યો ચિત્કાર.
શરણે આવ્યો બાણાસુર, બળ કીધું તેને ભરપૂર.

 

સાગર મથતા સુરાસુર, વિષ નીરખી ભાગ્યા દૂર.
આપે કીધું તે વિષપાન, નીલકંઠનું પામ્યા માન.

 

ઊભું કરે તમ સામે તૂત, પળમાં થયો ભસ્મીભૂત.
વિશ્વ સકળનો તું છે સ્તુત્ય, ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય.

 

પૃથ્વી તારો રથ કહેવાય, સૂર્ય શશી ચક્રે સહાય.
હરિ તમારું પૂજન કરે, સહસ્ત્ર કમળને શીશ પર ધરે.

 

ચઢાવતા ખૂટયું છે એક, નયનકમળથી રાખી ટેક.
દીધું સુદર્શન ભાવ ધરી, સ્નેહથી સ્વીકારે શ્રીહરિ.

 

યજ્ઞ કરી જે અર્પે ભાવ, તેના સાક્ષી આપ જ થાવ.
ફુલમદન આવ્યો વનમાંહ્ય, કામબાણ મારે છે ત્યાંય.

 

બાળ્યો પળમાં કરવા નાશ, શરણાગતિ થઈ આવ્યો પાસ.
સ્મશાન માંહે કીધો વાસ, ભૂતપ્રેત નાચે ચોપાસ.

 

અગ્નિ સૂર્ય ને પવન શશી, આપ રહ્યા છો વ્યાપક વસી.
ગગનધારા વારિ તમ રૂપ, કહાવો વિશ્વ સકળના ભૂપ.

 

ૐકાર નિર્ગુણ છો આપ, સુર મુનિવર જપતા જાપ.
ચાર ખૂણા ને ચારે દિશ, વ્યાપક આપ વસો છો ઈશ.

 

માર્કેન્ડેયને નાખ્યો પાસ, યમ તણો છોડાવ્યો પાસ.
ભોળા માટે ભોળા થાય, સંકટ સમયે કરતા સહાય.

 

શરણાગતના સુધરે હાલ, સંપત્તિ આપી કરતા ન્યાલ.
ધરતી સારી કાગજ થાય, સમુદ્ર શાહી થઈ રેલાય.

 

લેખન થાય બધી વનરાય, તો પણ શારદ અટકી જાય.
પાર કહો શી રીતે પમાય, રામભક્ત થઈ ગુણલા ગાય.

 

પાઠ કરે તે પુનિત થાય, જન્મમરણનું ચક્ર જાય.

 

દોહરો:

 

પાઠ કરે જે પ્રેમથી, સદાય પ્રાતઃકાળ
રામભક્ત તેનો જગે, થાય ન વાંકો વાળ

Related Content

અસિતકૃતં શિવસ્તોત્રમ - Asitakrutam Shivastotram

ઉપમન્યુકૃતં શિવસ્તોત્રમ- Upamanyukrutam Shivastotram

કલ્કિકૃતં શિવસ્તોત્રમ - Kalkikrutam Shivastotram

દારિદ્ર્ય દહન શિવ સ્તોત્રમ - Daridrya Dahana Shiva Stotram

નિર્વાણષટ્કમ્ - Nirvana Shatkam